૧૬૯૮ – ‘થોમસ સવરી’ (Thomas Savery)એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું. ૧૮૨૩ – બ્રાઝિલમાં પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. બાહિયા પ્રદેશ સ્વતંત્ર થયો. ૧૮૫૦ – ‘બેન્જામિન જે.લેન’ દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્ક (Gas mask)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા. ૧૮૯૭ – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની (Guglielmo Marconi)એ, લંડનમાં રેડિયો (Radio)નાં પેટન્ટ હક્કો મેળવ્યા. ૧૯૪૦ – ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની કલકત્તામાં અટકાયત અને ધરપકડ કરવામાં આવી. ૧૯૬૨ – વોલમાર્ટે તેનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો. ૧૯૭૨ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી માટે શિમલા કરાર કરવામાં આવ્યા. ૨૦૦૧ – કૃત્રિમ હૃદયનું પ્રથમ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ૨૦૦૨ – સ્ટીવ ફોસેટ બલૂનમાં વિશ્વભરમાં એકલા ઉડાન ભરનાર પ્રથમ વ્યક્તિ બન્યા. ૨૦૧૩ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે પ્લુટોના ચોથા અને પાંચમા ચંદ્ર , કેર્બેરોસ અને સ્ટાયક્સનું નામકરણ કર્યું.
આજનો દિન વિશેષ ડૉ. સેમ્યઅલ હાનેમાન
જાતે ઝેર ખાઈ ખાઈને જગતને જીવાડવાનું અમૃત પેદા કરનાર, ઝેરનું મારણ ઝેર છે એ સિદ્ધાંત પર પ્રયોગો કરી છ છ વર્ષ સતત અભ્યાસ, ચિંતન, અખતરા કરી હોમિયોપેથીની શોધ કરનાર એ હતા ડૉ. સેમ્યુઅલ હાનેમાન, તેમનો જન્મ ૨-૭-૧૭૫૫ માં જર્મનીના એક ચિત્રકાર કુટુંબમાં થયો હતો. હાનેમાન અનેક ભાષાઓ અને વિજ્ઞાન શીખી યુરોપ જઈ એમ.ડી. થયા, પરંતુ તે વખતની સારવાર પ્રથાથી કંટાળી તેમણે નવી જ સારવાર પદ્ધતિ શોધી. જાતીય રોગો તથા ટાઇફસના હજારો રોગીઓને તેમણે હોમિયોપેથીથી સાજા કર્યા. રસાયણશાસ્ત્ર, ખનીજશાસ્ત્ર અને વનસ્પતિવિદ્યા વિશે સાહિત્ય પ્રકાશિત કર્યું.
શરૂઆતમાં તો એમની હોમિયોપેથી પદ્ધતિની ડૉક્ટરોએ હાંસી ઉડાવી પરન્તુ એમની દવાઓ અને પ્રેક્ટિસ એટલા જામ્યા કે જર્મન સરકારે સમગ્ર રાજ્યમાં પદ્ધતિ દાખલ કરી. પોતાની જાત પર ૯૯ દવાઓના તેમણે પ્રયોગો કર્યા અને ૧૦ મહાગ્રંથો લખ્યા. આ ઉપરાંત ૭૦ જેટલા મૌલિક ગ્રંથો અને ૨૪ ભાષાંતરો પણ કરેલા છે. અતૂટ ધ્યેયનિષ્ઠા, હાડમારી, પરિશ્રમ, ભૂખમરો, રઝળપાટ અને ચિંતાની વચ્ચે તેમણે સેવાની ધૂણી ધખાવી. ઈ.સ. ૧૮૪૩માં તેઓ અવસાન પામ્યા.