સર્વનામ ની વ્યાખ્યા | સર્વનામ એટલે શું
સર્વનામ ની વ્યાખ્યા: નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે.
-
સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે.
-
જ્યારે વાક્યમાં કોઈ એક જ વ્યક્તિ વિશે વાત કરવી હોય ત્યારે સર્વનામ ઉપયોગી થાય છે.
-
સર્વનામ કર્તા અને કર્મ તરીકે આવતું હોય છે.
-
ટૂંકમાં નામની જગ્યાએ જે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહે છે.
-
જેમ કે હું, તમે, તે, આ, તેઓ, જે વગેરે પદો કોઈને કોઈ નામના બદલામાં વાકયામાં વપરાય છે.
સર્વનામના પ્રકારો
-
પુરુષવાચક સર્વનામ
-
દર્શક સર્વનામ
-
પ્રશ્નવાચક સર્વનામ
-
સ્વવાચક / નિજવાચક સર્વનામ
-
સાપેક્ષ / સંબંધી સર્વનામ
-
અનિશ્ચિત સર્વનામ
વ્યાખ્યા : નામને (સંજ્ઞા) બદલે વપરાતા પદો કે જે નામ જેવી જ કામગીરી કરે છે તેને ‘સર્વનામ’ કહે છે. તેને અંગ્રેજીમાં Pronoun કહે છે.
દા.ત. ‘હું’, ‘તમે’, ‘તો’, ‘તે’, ‘આ’, ‘જે’ વગેરે પદો કોઈ ને કોઈ નામને બદલે વાક્યમાં વપરાય છે.
1. તે કાલે મારે ઘરે આવશે.
2 તેને મહેશ સાથે આવવાનું ચોક્કસ કહેજો.
ઉપરના બે વાક્યોમાં ‘તે,’ અને ‘તેને’ સર્વનામ છે. કેમ કે તેનો પ્રયોગ નામના સ્થાને થયો છે.
-
સર્વનામને નામની જેમ સંબોધનને સ્થાને વાપરી શકાય નહીં.
-
નામની જેમ સર્વનામને પણ જાતિ, વચન અને વિભક્તિ હોય છે. પણ ઘણાંખરાં સર્વનામો ત્રણે જાતિમાં એકસરખાં જ હોય છે.
-
સર્વનામ જે નામને માટે વાક્યમાં વપરાયું હોય, તે નામનાં જાતિ અને વચન લે છે.
સર્વનામના સાત પ્રકાર છે.
૧. પુરુષવાચક સર્વનામ :
જુદી જુદી વ્યક્તિ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામ પુરુષવાચક કહેવાય છે. પુરુષવાચક સર્વનામ ત્રણ પ્રકારના છે : પહેલો પુરુષ સર્વનામ, બીજો પુરુષ સર્વનામ અને ત્રીજો પુરુષ સર્વનામ.
પહેલો પુરુષ એકવચન : હું, મારાથી, મારું, મારામાં
બહુવચન : અમે, અમને, અમારાથી, અમારું, અમારામાં
બીજો પુરુષ એકવચન : તું, તમે, તારાથી, તારું, તારામાં
બહુવચન : તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં
ત્રીજો પુરુષ એકવચન : તે, તેને, તેનાથી, તેનું, તેનામાં
બહુવચન : તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું, તેમનામાં
૨. સાપેક્ષ કે સંબંધવાચક સર્વનામ :
જે સર્વનામ દ્વારા બે ભિન્ન-ભિન્ન અર્થવાળી વાતોનો સંબંધ પ્રગટ થાય છે તેને સંબંધવાચક કે સાપેક્ષ સર્વનામ કહે છે.
દા.ત. – જે-તે, જેવું-તેવું, જેટલું-તેટલું, જેવી-તેવી, જેમ-તેમ વગેરે.
આમ, આ સર્વનામ જોડકામાં આવે છે.
આ સર્વનામમાં પહેલું સર્વનામ અધ્યાહાર રહી શકે છે પણ બીજું સર્વનામ અધ્યાહાર રાખી શકાતું નથી.
દા.ત.
1. જે ફરે તે ચરે.
2. જેવું કરે તેવું પામે.
3. જેટલું ખરીદશો તેટલું વેચશો.
3. અન્યોન્યવાચક સર્વનામ :
અન્યોન્ય એટલે ‘પરસ્પર’. આવા અર્થવાળા સર્વનામને અન્યોન્યવાચક વાચક સર્વનામ કહે છે. દા. ત. – ‘અન્યોન્ય’, ‘પરસ્પર’, ‘એકબીજું’ વગેરે.
1. પરસ્પરને સમજીને વ્યવહાર કરવો જોઈએ.
4. પ્રશ્નવાચક સર્વનામ :
નામ (સંજ્ઞા)ને બદલે વપરાતાં અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતાં પદોને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. ટૂંકમાં, આ સર્વનામનો ઉપયોગ પ્રશ્ન કરવા માટે થાય છે. જેમ કે, ‘કોણ’, ‘શું’, ‘ક્યું’ વગેરે.
1. આ ઓરડામાં કોણ રહે છે ?
2. તમારે દુકાનમાંથી શું જોઈએ છે ?
3. તમે શું લેવાનું પસંદ કરશો ?
4. તે કયું પક્ષી હતું?
5. દર્શક સર્વનામ :
પાસેની કે દૂરથી પણ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામ દર્શક સર્વનામ કહેવાય છે. આ સર્વનામ દ્વારા કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિનો સંકેત મળે છે. જેમ કે,
1. તમને કોઈ સાડી ગમી ? આ કે પેલી ?
2. જુઓ, એ જાય છે.
6. અનિશ્ચયવાચક સર્વનામ :
જે સર્વનામ વડે ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી અર્થાત્ જેનો નિર્દેશ અનિશ્ચિત રહે છે તેને અનિશ્ચયવાચક સર્વનામ કહે છે.
જેમ કે, ‘કંઈ’, ‘કેટલાક’, ‘સહુ’, ‘સૌ’, ‘ફલાણો’, ‘અન્ય’, ‘બીજું’, ‘પ્રત્યેક’, ‘દરેક’, ‘હરકોઈ’ વગેરે અનિશ્ચયવાચક સર્વનામો છે.
1. બહેનો, મને કાંઈ કહેશો?
2. વિદ્યાર્થીઓ કંઈક લખો.