મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ.બનાસકાંઠા શિક્ષક સંઘે માંગ ના સ્વીકારાય તો કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક ડીસા ખાતે યોજાઈ હતી. જેમાં તંત્ર દ્વારા મહિલા શિક્ષિકાઓ તેમજ 3 વર્ષ BLOની કામગીરી કરેલી હોવા છતાં તે જ શિક્ષકોને BLOના ઓર્ડર કરવામાં આવ્યા છે તે રદ કરવા ઉપરાંત શિક્ષકોની પડતર માગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક ડીસાની પ્રીતિ નગર પ્રાથમિક શાળા ખાતે સંઘના પ્રમુખ સંજય દવેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. અવસાન પામેલા પ્રાથમિક શિક્ષકોને
શ્રદ્ધાંજલિ આપી એજન્ડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ગત સભાના પ્રોસિડિંગને બહાલી આપવામાં આવી હતા. પ્રાથમિક શિક્ષકોના અનુભવને ગણી જાહેર સેવા આયોગની GPSC દ્વારા લેવાતી GES-2, TPEOની પરીક્ષા પ્રાથમિક શિક્ષકોને આપવા બાબતે તેમજ સ્થાનિક કક્ષાએ શાળા પ્રવાસ, જી.પી. એફ. ઉપાડ અને હિસાબો, શિક્ષણ શાખામાં કારકુનની ખાલી જગ્યાઓ, એરીયર્સ બિલો, સી.પી.એફ. ખાતાઓ વગેરેની વિસ્તૃત ચર્ચા કરી નિરાકરણ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
તસવીર : ધર્મેન્દ્ર ગોસાઇ
હાલમાં નવા બી.એલ.ઓ.ની નિમણુંક કરવામાં આવી છે. જેમને વિસ્તારોના આધારે બદલી નિમણૂક કરવામાં આવેલી છે. જે બાબતે સુધારો કરવા 3 વર્ષથી વધુ સમય બી.એલ.ઓ. રહેલા શિક્ષકોના આદેશ રદ કરવા તેમજ મહિલાઓને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુકિત આપવી તેમજ જો પરીણામ ન મળે તો બીએલઓ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઘટક સંઘોના પ્રમુખ, મંત્રી, ખજાનચી, જિલ્લા હોદેદારો, મહિલા પ્રમુખ સહિત કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.